Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2009

100_3895

(તસ્વીર: પહેલી હરોળ (ડાબી બાજુથી):જયંત પટેલ,મધુસુદન દેસાઈ, દિનેશ શાહ,ડૉ.મણીભાઈ પટેલ,વિશ્વદીપ બારડ,વિનોદ પટેલ,
બીજી હરોળ:(ડાબી બાજુથી):પ્રશાંત મુનશા, શ્રીમતી ગાંધી, ભારતી દેસાઈ,શૈલા મુનશા,પૂર્ણિમા ગજરાવાલા,ભારતી મજબુદાર, રેખા બારડ,જીગીશા સંડેસરા, કલ્પના શાહ, ગીતા ભટ્ટ,
ત્રીજી હરોળ:(ડાબે બાજુથી):ફતેહ અલી ચતુર,દિપક ભટ્ટ,હેમંત ગજરાવાલા,અશોક પટેલ,પ્રકાશ મજબુદાર,કમલેશ સંડેસરા)

**********************************************************************************************

પરદેશમાં રહી ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રેમભાવ તેમજ આપણી માતૃભાષા, આપણી ગુજરાતી સંસ્કૃતિ સદા ટકી રહે એજ ભાવના એજ હેતુ થી ભારતથી પધારેલ એક સર્જક, વાર્તાકાર, કવિ અને વિવેચક ડૉ. મણીલાલ હ.પટેલનો લાભ હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય પ્રેમી પ્રજાને મળે એ પ્રયોજનથી જુન,૨૮,૨૦૦૯,રવિવાર, બપોરે ૨.૦૦વાગે ગુજરાતી સાહિત્યના સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડને ત્યાં બેઠક રાખવામાં આવેલ અને ઉમળકાભેર સાહિત્ય પ્રેમીઓ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ.ડૉ.મણીભાઈ એ પણ અમારું આમંત્રણ  હર્ષભેર સ્વીકારી લીધેલ.
                                બેઠકની શરૂઆત ડૉ.મણીભાઈનું  ફૂલ-ગુચ્છથી સપના બારડે સ્વાગત કરેલ.વિશ્વદીપ બારડે ડૉ.મણાભાઈનો પરિચય આપતા કહ્યું:”ગુજરાતી  સાહિત્યક્ષેત્રે અગ્રગણી એવા ડૉ.મણીભાઈનો પરિચય આપવો એ મારા માટે ગાગરમાં સાગર ભરવા સમાન છે.ડૉ. મણીભાઈ આપબળે આગળ  આવનાર એક સર્જક અને અધ્યાપક ગુજરાતી સાહિત્યમાં ઘણાં પારિતોષકો મેળવ્યાં છે.૨૦૦૪માં એક ઉત્તમ અધ્યાપક અને ભાવકપ્રિય સાહિત્યકાર તરીકે એમનું સન્માન ગુજરાતના મૂખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીને હસ્તે થયું હતું.એવો એક અગ્રગણી વાર્તાકાર ,કવિ અને વિવેચક છે.આપણે સૌ તેમને સાંભળીએ અને એજ એમનો વિશેષ પરિચય છે.”

                             ડો. મણીભાઈએ શરુઆત કરતા કહ્યું “સુખતો પંતગિયા જેવું છે, જેમ જેમ પકડવા જાવ તેમ તેમ દૂર ભાગતું જાય છે..સમય પસાર નથી થતો આપણે પસાર થઈ જઈ એ છીએ..કેવું સાહિત્ય જગતમાં ટકી શકે? એની ઊડી સમજણ આપતા કહ્યું “કાળ સામે જે સાહિત્ય બાથ ભીડી શકે એ  સાહિત્ય ટકે છે.ગુજરાતી સાહિત્યમાં ઘણું લખાયું છે અને આજ પણ લોકોના હૈયામાં, મનમાં વસી ગયું છે, જીવંત છે. લેખન વિશે  ખ્યાલ આપતા કહ્યું કે દરેક લેખક પોત-પોતાને અનુભુતી અને અનુભવને પોતાનું ક્ષેત્ર બનાવે છે. એનો દાખલો આપતા પ્રિયકાંત મણીયારની  કવિતા..”એ લોકો”..એ લોકો પહેલા  અનાજની ગુણો ભરીને સીવી રાખે છે.. અને ભુખ્યો માણસ મરી જાય પછી શેર શેર વેચે છે.” આ કાવ્ય હેતુલક્ષી કાવ્ય ગણાય, બીજુ સાહિત્ય કુદરત વિશે અને ત્રીજુ સાહિત્ય આપણાં જીવનની એકલતાને આવરી લેતુ સાહિત્ય. સુરેશ જોશીની કવિતા..”કવિનું વસિયતનામું’..કાલે કદાચ ન હોઉં..અને સૂરજ ઉગે તો કહેજો..કે મારી બિડાયેલી આંખમાં એક આંસુ સુકવવું બાકી છે..ના ઉદાહરણ સાથે સમજાવેલ કે શબ્દોને ત્રણ ગુણધર્મ હોય છે..”શબ્દ વાદ છે,શબ્દ લય છે, શબ્દ અર્થ છે. એના સંદર્ભમાં એમની એક સુંદર કવિતા રજૂ કરી..”બાની સાથે ગયું બાળપણ..ગામ જવાની હઠ છોડી દે..વસ્તી વચ્ચે વિસ્તરતું રણ, ને ગામ જવાની હઠ છોડી દે, લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની…ગામડું ..ગામડું નથી રહ્યું..જયાં પ્રેમભાવ,,ઉષ્માભર્યો આવકાર હવે  નથી રહ્યો..જાણેકે હવે સગાઈજ નથી રહી..કાવ્યના પઠન સાથે સૌ શ્રોતાજનો ભાવ-વિભોર બની ગયેલ્.પોતાના સ્વરચિત તેમજ અન્ય કવિઓનાની રચના રજૂ કરતાની સાથે સાથે  વાર્તા, કવિતા કે નિબંધ  કેવી રીતે લખાવી જોઈ એ એની ઊડી ચર્ચા કરીને સાથો સાથ સાચી સમજ પણ આપી..પોતાના પિતાશ્રી સાથે થયેલા–ખાટા-મીઠા અનૂભવનો ઉલ્લેખ કરતા પ્રેક્ષકો સાથે પોતે પણ ભાવ-વિભોર બની ગયેલ..શું હોય છે પિતાજી..તે દિવસે ક્યારીમાં પાણી વાળતા વિધૂર પિતાને જોઈને..આ કવિતા જ્યારે રજૂ કરી ત્યારે ઘણાં શ્રોતાજનોની આંખો ભીની થઈ ગઈ હતી..

                              લગભગ બે કલાક ચાલેલ આ બેઠક ઘણી મહ્ત્વ પૂર્ણ  હતી અને પરદેશમાં બેઠેલા અને ગુજરાતી સાહિત્યના ચાહકો, લેખકો, કવિઓ માટે ઉત્સાહ ભરનારી અને “જ્ઞાન સાથે ગમ્મત’ભરી સભા હ્યુસ્ટનના આંગણે યોજય એને માટે ગુજરાતી સાહિત્ય સરિતા ડૉ.મણીભાઈ પટેલ હૃદય પુર્વક આભારી છે.બેઠકના અંતમા GSS સ્થાપક શ્રી દિપકભાઈ ભટ્ટે આભાર માનતા કહ્યું..”હ્યુસ્ટનમાં સાહિત્યની ઘણી બેઠકો યોજાયેલી છે જેમાં પહેલી,,ડૉ.રઈશ મણીયાર, બીજી ડૉ.વિનોદ જોશી અને આ ત્રીજી બેઠક આપની જેમાં અમોને ઘણીજ રસપ્રદ માહિતી મળી છે સાથો સાથ અવિરત આનંદ મળ્યો છે..જેને માટે અમો સૌ આપને આભારી છીએ.શ્રોતાજનોની તાળીઓના ગડગડાટ સાથે બેઠક પુરી થઈ સાથો સાથ શ્રીમતી રેખા બારડે તૈયાર કરેલ  ચા-પાણીને અલ્પાહાર લઈ સૌ  છૂટા પડેલ.

અહેવાલ: વિશ્વદીપ બારડ

 

Read Full Post »

117657444_956eb5103c

મને તો ગમે આ ઘડપણ મજાનું,
સમય સાથે લોહીનું સગપણ મજાનું.

શિશુ સરખા ભોળા અનુભવમાં મોટા,
ગણવાનું કેવું આ કારણ મજાનું.

ભલે વાળ રંગો કે ના રંગો તોયે,
ઉંમર ટહુકી ઉઠશે ક્ષણે ક્ષણ મજાનું.

નઠારું કે સારું સૌ સંભળાય ઓછું,
મળ્યું પાપનું આ નિવારણ મજાનું.

ન કોઈ પાડી પડી તાલ તોયે,
ચળકતા આ મસ્તકનું દર્શન મજાનું.

ભલે આક્ર્મણ ભલભલા રોગ કરતા,
હવે મેડીકેરનું છે રક્ષણ મજાનું.

મને મારી ઓળખ થઈ આપ મેળે,
મળ્યું જ્યારે ઘડપણ દર્પણ મજાનું.

કરી યમનું સ્વાગત નવો જન્મ ઝંખું,
ફરી મળશે ખોવાયેલ બચપણ મજાનું.

-કવિ અજ્ઞાત( કોઈ કવિ મિત્રને ખબર હોય તો જાણ કરવા વિનંતી)

Read Full Post »