Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2010

 

 હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક નવેમ્બર ૨૧મીને રવિવારે બપોરના ૧.૩૦વાગે અમારા ચિંતક લેખક શ્રી ભગવાનદાસભાઈ અને શ્રીમતી મંજુલાબેન પટેલને ત્યાં  યોજવામાં આવેલ.

 દેવ-દિવાળી હોવાથી  ઉત્સાહ અને ઉમંગ સાથે સારી સંખ્યામાં શ્રોતાજનો  પધારેલ  અને સમગ્ર ઘરમાં ચારેબાજું   સાહિત્યમય વાતાવરણ ફેલાઈ ગયું. બેઠકની શરૂઆત રાબેતા મુજબ સમયસર  શ્રી ભગવાનદાસભાઇએ અને મંજુલાબેને   મા-સરસ્વતિની સ્તુતિ કરી.  અને પ્રાર્થનાના પ્રારંભ સાથે યજમાન યુગલે સૌને આવકારતા કહ્યું:”સંજોગ અને સમયની મર્યાદાને લીધે ઘણાં સમયબાદ અમો આપણી સાહિત્ય  સારિતાને આંગણે  આમંત્રીત કર્યા છે. પણ આજ  સૌ સાહિત્યમિત્રો અમારે આંગણે પધાર્યા બદલ આભાર અને અમો ઘણાં જ ખુશ છીએ.”

ત્યારબાદ વિશ્વદીપ બારડે યજમાન યુગલનો બેઠકનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો અને સહર્ષ  જાહેર કર્યું: આજની બેઠકનું સમગ્ર સંચાલન શ્રી ભગવાનદાસભાઈ અને મંજુલાબેન કરશે.આજની બેઠકમાં ૨૦થી પણ વધારે વક્તા હોવાથી સર્વ વકતાને વિનંતી કરવામાં આવેલ કે પાંચ મિનિટ પોતાની કૃતિ રજુ કરવી જેથી દરેક કવિ, લેખક ને પોતાની કૃતી રજુ કરવાનો લાભ મળે.

                    ઈન્દુબેન શાહે સ્વરચિત દેવ-દિવાળીને અનુરૂપ ગીત રજૂ કર્યું શબ્દો હતા:‘મન તું કાં ન ભજે હજું રામ નામ’…રામ નામ બસ એક આધાર’ એમના સુરિલા અવાજે ગાયું.ત્યારબાદ છંદમાં ગુંથાયેલી ગઝલ, કવિયત્રી દેવિકાબેન ધ્રુવે “કોને મળી”..મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા,માનવીએ કેદ કીધો મંદિરે વળી.‘નું પઠન કરી શ્રોતજનોને મુગ્ધ કર્યાં. આ વખતે સભામાં કાવ્ય પઠન સાથે શ્રોતાજનને આનંદ આવે એવા લોકગીતનું પણ આયોજન કરવામાં આવેલ.

શ્રીમતી વિલાસબેન(માસી)એ પોતાના સુંદર સ્વરમાં કવિ કાગનું ગીત..‘કાઠીયાવાડમાં કોક દિ ભુલો પડજે ભગવાવાન’ ગીત ગાયું અને તુરત જ મુકુંદભાઈ ગાંધીએ.મનાડેનું જાણીતું ગીત…’ઉપર ગગન વિશાળ’ગાઈ યુવાનીના દિવસો તાજા કરાવ્યા.વાતાવરણ એકદમ સંગીતમય બની ગયું. ફતેહઅલી પણ મુડમાં આવી ગયાં અને બેફામનું” નહિતર જિંદગીમાં ઘણીએ કાલ આવી ગઈ.પણ ભાઈ આજ તો દેવદિવાળી આવી ગઈ..ત્યારે શૈલાબેન મુન્શાએ દિવાળીનો મહિમા વિશે લખેલ કાવ્ય:‘કોઈ દીપ પ્રગટાવે, કોઈ તોરણ લટકાવે તો કોઈ આંગણ સજાવે રંગોળી.. ઉજવે સૌ દિવાળી.’

અમેરિકામાં વર્ષોથી વસતા આપણા ગુજરાતીના સ્વભાવને  નજરમાં રાખી  વિશ્વદીપ બારડે સ્વરચિત કાવ્ય:’ભાઈ અમે અમેરિકન ગુજરાતી’..સેલના છાપા જોતા ગુજરાતી,ઓછી આવક છતાં જલશા કરતાં ગુજરાતી..અથાણા આંબલી સાથે દાંતણની જુડી દેશથી લાવતા ગુજરાતી..રમુજી કાવ્ય રજુ કરી સૌને હાસ્ય રસમાં લાવી દીધા. એજ સમયે દીપકભાઈ ભટ્ટે  રંગમાં આવી ગુજરાતી જોકસ ની સાથે નિખીલ મહેતાએ ધંધા વિશે રમુજી વાતોથી કરી હાસ્યરસને આગળ ધપાવ્યો.

                 સાહિત્ય સરિતા  સમયને અનુસરી આગળ વધી રહી હતી અને શ્રી ભગવાનદાસભાઈ સમયની તકેદારી રાખી સભાના દોરને આગળ વધારી રહ્યા હતાં.કવિતા સાથે લોકગીત ગવાતા હતા એથી શ્રોતાજનો વિવિધ કાર્યક્રમનો આનંદ માણી રહ્યા હતાં. હ્યુસ્ટનના સાહિત્ય સરિતાના સભ્ય શ્રીમતી ભારતીબેન દેસાઈએ એમના સુંદર સ્વરે બહુંજ જાણીતું-માનીતું લોકગીત.’.‘હું તો કાગળીયા લખી લખી થાકી..કાનુડા તારા મનમાં નથી.’ ગાઈ શ્રોતાજનો ને રંગમાં લાવી દીધા.સાહિત્ય સરિતાના ખમતીધર એવા વિજયભાઈ શાહે..બે પેઢી વચ્ચે રહેતું અંતરની વાત લઈ આવ્યા હતાં: તેમની લખેલ નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને  માત્ર ચાર પાનામાં સંકલન કરી સચોટ રીતે રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. અમારા માનિતા ચિત્રકાર શ્રી વિનોદભાઈ પટેલ આજે “આકૃતી”વિશે વાત રજુ કરી.: વડોદરાના ત્રીસ કલાકારો એમ.એસ. યુનિ.મા ભણેલા છે અને એમાં પાંચ કલાકારો તો આપણાં ગુજરાતી છે એ ગૌરવની વાત છે.આજે શ્રોતાજનો જુદા જુદા રસોનો આસ્વાદ માણી રહ્યા હતાં.શ્રીમતી રેખા બારડે પોતાન સ્વરમાં.”વાદલડી વરસી રે..સરોવર છલી વળ્યા. સાસરિયે જાવું રે, મહિયરિયે મહાલી રહ્યાં.” ગાઈ સૌ ને અનેરી રંગતમાં લાવી દીધા.

સાહિત્ય સરિતાના સુંદર ગઝ્લ ગાયક શ્રી પ્રકાશ મજમુદારે” તલત મહેમુદે ગાયેલ ગીત પોતાના સ્વરે:  ‘અરે..ઓ બેવફા..સાંભળ….શાને ગુમાન કરે’…ગાઈ જુના દિવસોને તાજા કરાવ્યા.સાથો સાથ શ્રી ભગવાનદાસભાઈ પોતાના સુંદર વિધાનો કહી રહ્યા હતાં માનવી માને છે કે પોતાના વગર દુનિયા અટકી પડશે…સૌ જાણે છે કે એ તથ્ય નથી..આજ એ માનનારાઓની કબર પડી છે. લાગણીશીલ એવા આપણા કવિ-ચિંતક શ્રી હેમંતભાઈ એ: મા અને પત્નીની  સુંદર ભાવના અને લાગણીના સમન્વયની ચોટદાર વાત કરી સૌને લાગણી વિભોર બનાવી દીધા. સાથો સાથ શ્રી અશોકભાઈ પટેલ માનવજાતને સમજવી એ બહું મુશ્કેલ છે..જેમકે સાસુ વહું..પતિ-પત્નિ, મા-બાપ.. એ તથ્ય કહ્યું..સપ્તકની સ્થાપના નંદન મહેતાએ કરી છે એવી સુંદર માહિતી આપી. હેમાબેન પટેલે પણ આજે એમણે “દિવાળી” વિશે લખેલ એક સુંદર લેખ વાંચી સૌને દિવાળીનું મહત્વ કહ્યું.
                                                     કવિ-લેખક -ચિંતક અને તંત્રી શ્રી  નરૂદીન દરેડીયાએ સૌ ને કવિ ગંગના ચોટદાર મુક્તકો રજુ કર્યા”ગંગ તરંગ પ્રવાહ ચાલે..કર્મ છુપે ના છુપાએ…પાપ છુપત હૈ..હરી નામ જપકે…’તેમજ સૌ કવિ-લેખક મિત્રો ને ‘ગુજરાત ગૌરવ’માં લેખો-કવિતા  આપવા નિમંત્રણ આપ્યું. આપણા ગુજરાતી રેડિયો કલાકાર અને લાગણીશીલ કવિ પ્રદિપ બ્રહ્મભટ્ટે ‘ગુજરાતી વાણી એવી લાગે’…કાવ્ય રજુ કર્યું સાથો સાથ એમણે કરેલ નવું પ્રયાણ..રંગીલો ગુજરાત રેડિયો સ્ટેશન વિશે માહિતી અને સૌ ને મહેમાન થવા આમંત્રણ આપેલ. સુરેશ બક્ષીએ..”પ્રેમ જો આંધળો છે તો પ્રેમમાં પડનારાને શું કહેશો?‘ સુંદર શૈલીમાં કાવ્ય રજુ કર્યું. શ્રી પ્રશાંત મુન્શાએ સૌને દિવાળીની શુભેચ્છા આપી .તેમજ ડૉ. રમેશભાઈ શાહે..મેડીકેડ અને મેડીકેર વિશે જેને જરુર હશે તેમને  માહિતી આપવાની તૈયારી બતાવી. આ સાથે દીનાબેન પારઘી એ ગુજરાતનાં ગૌરવનું ગીત..‘યશ ગાથા ગુજરાતની’..પોતાના સુંદર સ્વરે ગાયું .

 અંતમાં રસેશભાઈ દલાલે  હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા જે “દશાબ્દી-મહોત્સવ” માર્ચ ૧૧,૧૨ -૨૦૧૧માં ઉજવવાના છે તે  ભવ્યકાર્યક્રમનું  આયોજન કરી રહી છે તેનો સુંદર અહેવાલ અને વિગત સૌ શ્રોતાજનોને આપ્યો અને સમજાવ્યું કે આ અપણો આનંદ છે..તે ભાવ સાથે તેની ઉજવણીમાં આવજો અને મિત્રોને લાવશો.

                                                 અંતમાં વિશ્વદીપ બારડે શ્રી ભગવાનદાસભાઈ અને મંજુલાબેનને  સાહિત્ય સારિતાની નવેમ્બરની બેઠક નું આયોજન અને યજમાન બન્યા બદલ હાર્દિક આભાર વ્યકત કર્યો. સૌ મિત્રોએ દેવ-દિવાળી નિમિત્તે એમણે ફાફડા-ઘુઘરા અને અન્ય મિઠાઈ સાથે નાસ્તા-ચા અને સોફ્ટ ડ્રીન્ક લઈ છુટા પડ્યા.

અહેવાલ: વિશ્વદીપ બારડ
સહાયક: રેખા બારડ

Read Full Post »