Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2013

SAM_0486

100_3545

તસ્વિર સૌજન્ય…જયંત પટેલ

‘સાહિત્ય સરિતા’ની ૧૩૪મી બેઠકનો અહેવાલ-(અહેવાલ. શ્રી. નવીન બેન્કર)

અમદાવાદની ‘ધબકાર’ સંસ્થાના ઉપક્રમે, પાંચ કે છ વર્ષ પહેલાં-કદાચ ૨૦૦૭માં-,બ્લોગ જગતના લાડીલા અને આદરણીય વડીલ જુગલકાકા ( શ્રી.જુગલકિશોર વ્યાસ ) ના નિવાસસ્થાને હું, પ્રથમ વખત આ તેજસ્વીની લેખિકાને મળેલો અને તેમના સાહિત્યનો અને લેખનપ્રીતિનો અનુભવ થયો હતો. ત્યારપછી પણ આ છ વર્ષ દરમ્યાન તેમના લખાણો-લઘુકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરે- અવારનવાર ગુજરાતી સામયિકો ‘કુમાર’, ‘અખંડ આનંદ’, ’ઉદ્દેશ’ વિગેરેમાં  વાંચવામાં આવ્યા હતા એટલે શબ્દથી તો એમનો પરિચય થતો જ રહ્યો છે.

હ્યુસ્ટનની તેર વર્ષ જૂની, ગુજરાતી સાહિત્ય સરિતાના આમંત્રણને માન આપીને નીલમબેન દોશી હ્યુસ્ટનની મુલાકાતે પધાર્યા હતા અને ‘સરિતા’ની ૧૩૪મી બેઠકમાં, સાહિત્યપ્રેમી ડોક્ટર દંપતિ રમેશભાઇ શાહ અને ઇન્દુબેન શાહના નિવાસસ્થાને હાજરી આપી હતી.

હ્યુસ્ટનની જાણીતી સ્ત્રી-લેખિકાઓ શ્રીમતી શૈલા મુન્શા,દેવિકા ધ્રુવ, ઇન્દુબેન શાહ અને પ્રવિણા કડકિયાએ પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ સુત્રધાર દેવિકાબેને નીલમબેનનું સ્વાગત કર્યું હતું અને શ્રી. વિજય શાહને નિલમબેનનો પરિચય આપવા માટે વિનંતિ કરી હતી. શ્રી. વિજય શાહે, લેપટોપ પર સ્લાઇડોના સહારે, નીલમબેનના પુસ્તકો, કોલમો, તેમને મળેલા એવોર્ડો, પારિતોષિકો અંગે માહિતી આપતાં કહ્યું કે નીલમ દોશીના પુસ્તક ‘ગમતાંનો ગુલાલ’ને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ‘દીકરી મારી દોસ્ત’, ‘જન્મદિવસની ઉજવણી’, ‘સંબંધસેતુ’, ‘સાસુવહુ ડોટ કોમ’, અંતિમ પ્રકરણ’, ‘પાનેતર’ એમના પ્રકાશિત પુસ્તકો છે. લોકપ્રિય સ્ત્રી સાપ્તાહિક ‘સ્ત્રી’માં, એમની કોલમ  ‘જીવનની ખાટીમીઠી’ પ્રકાશિત થતી રહી છે. સુરતમાં યોજાયેલ જ્ઞાનસત્ર (૨૦૧૨) દરમ્યાન નીલમબેન લિખિત ‘અંતીમ પ્રકરણ’ નવલિકાસંગ્રહને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી ‘બેસ્ટ બુક ઓફ ધ યર’નો અવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોના રસાસ્વાદ, આકાશવાણી રેડીયો પરથી પ્રસારિત થતા રહે છે.

નીલમબેનના વક્તવ્ય પહેલાં, બે-ત્રણ સ્થાનિક લેખકો-કવિઓની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.ઓસ્ટીનથી  ખાસ આ બેઠકમાં હાજરી આપવા આવેલ કવયિત્રી સરયુ પરીખે પોતાના બે નવા કાવ્યસંગ્રહો વિશે માહિતી આપી હતી. અને બે કાવ્યો વાંચી સંભળાવ્યા હતા. હાસ્ય, હાઇકુ અને હઝલના રાજા એવા સ્થાનિક હાસ્યલેખક અને ગઝલકાર શ્રી. ચીમનભાઇ પટેલે (‘ચમન’) સ્વરચિત બે, છંદબધ્ધ કાવ્યો સંભળાવ્યા હતા. ફતેહ અલી ચતુરે, હિન્દી કવિ સુરેન્દ્ર શર્માનું એક વ્યંગકાવ્ય રજૂ કર્યું હતું.

બેઠકનો દોર પોતાના હાથમાં લેતાં, નીલમબેને હ્યુસ્ટનની મુલાકાત ટાણે લખાયેલ સ્વરચિત કાવ્યની પંક્તિઓ સંભળાવી હતી. ટૂંકી વાર્તાકળાના નમૂના તરીકે પોતાની ત્રણ વાર્તાઓ  ‘સંજૂ દોડ્યો’, ‘એક ઔર ધરતીકંપ’, અને ‘આઇ એમ સ્યોર’ ,વાંચી સંભળાવી હતી. વાર્તાઓ અંગે સાહિત્યરસિકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા અને તે પછી નીલમબેને એની છણાવટ કરીને રસદર્શન કરાવ્યું હતું.

સાહિય સરિતાના  હવે પછીના છ માસ માટેના નવા કો ઓર્ડીનેટર અને આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટર તરીકે સેવાઓ આપવા માટે સુશ્રી. પ્રવિણાબેન કડકિયા અને શ્રી. સતિશ પરીખ સંમત થયા હતા.

 

સાહિત્ય સરિતાના કાર્યદક્ષ, વિદ્વાન પ્રેસિડેન્ટ શ્રી. વિશ્વદીપ બારડે કેટલીક જાહેરાતો કરીને, આભારવિધીની ઔપચારિકતા નિભાવી બેઠકની સમાપ્તિ કરી હતી. ‘સરિતા’ના સભ્યો સાથે નીલમબેને ગ્રુપ ફોટો પડાવીને, યજમાન ઇન્દુબેન/રમેશભાઇ શાહ દ્વારા પિરસાયેલ સ્વાદીષ્ટ ચાહ-નાસ્તાને ન્યાય આપીને સૌ છૂટા પડ્યા હતા.

(અહેવાલ. શ્રી. નવીન બેન્કર)

Read Full Post »